Anand News: આણંદ સેતુ ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની દિવ્યાંગજનો માટેની સેવાપ્રવૃત્તિની સીએમએ લીધી નોંધ, મુખ્યમંત્રીએ મુલાકાતનો વીડિયો શેર કર્યો
Anand News: આણંદ સેતુ ટ્રસ્ટ દ્વારા સામાજિક ક્ષેત્રે અને દિવ્યાંજનો માટે સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ સંસ્થાના ફાઉન્ડર જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુઘાબેન પટેલને સીએમ કાર્યલાય આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સુધાનબેનને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારનું સરાહનિય કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જ્યાં સરકારની મદદની જરૂર જણાય ત્યાં સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ મુલાકાત અંગેનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટલે પણ મુખ્યમંત્રીની દિવ્યાંગજનો માટેની ભાવનાત્મક લાગણીની પ્રસંશા કરી હતી.
આણંદ સેતુ ટ્રસ્ટ દ્વારા વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું હતું. સુધાબેનને મુખ્યમંત્રી કાર્યાલય બોલાવી અભિનંદન પત્ર પાઠવાની સન્માનિત કર્યા હતા. તેમજ સેતુ ટ્રસ્ટના સભ્યો અને સુધાબેન સાથેની મુલાકાતનો વીડિયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) ટ્વીટર પર શેર કર્યો હતો.
આ પોસ્ટમાં મુખ્યમંત્રીએ નોંધ્યું છેકે, દિવ્યાંગજનોની સંભાળ રાખવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં સુધાબેન અને તેમના ટ્રસ્ટ દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી છે. સુધાબેનની આગેવાનીમાં સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ કેમ્પનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય ખૂબ સરાહનીય છે. આ સેવાકાર્ય સાથે જોડાયેલ સૌને અભિનંદન. આપનું કાર્ય સમાજમાં અન્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
સંસ્થાના ફાઉન્ડર જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુઘાબેન પટેલ અંગે જાણીએ તો તેમનો જન્મ આણંદ જિલ્લાના ચાંગ ગામે 8 મે 1973ના રોજ થયો છે. તેમણે એમ.એ.બીએડ અને યોગ ડિપ્લોમાનો અભ્યાસ કરેલો છે. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે વ્યાપારિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાસલ કરી છે. એટલું જ નહીં પરંતુ 1995થી 2002 સુધી તે ચાંગા ગામના સરપંચ પણ રહ્યાં હતા.
તેમની આગેવાનીમાં સેતુ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અનાથ અને સિંગલ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ માટે સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યાં છે. વિદ્યાનગરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સામાન્ય યુવક-યુવતીઓને યોગ વિદ્યા, ફૂટબોલ, ક્રિકેટ, સ્કાય ડાયવિંગ, ચેસ તથા કેરમ સહિતની રમત-ગમતની પ્રવૃત્તિઓમાં મદદ કરવામાં આવી રહી છે.