મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચરોતરના પ્રજ્ઞાચક્ષુ મહિલાને સમ્માનિત કર્યા, તે વિડીયો પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસારિત કર્યો, કોણ છે આ મહિલા ? તેઓએ મુખ્યમંત્રી વિષે શું કહ્યું ? જાણો સંપૂર્ણ વિગત
પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની દિવ્યાંગજનો માટેની ભાવનાત્મક લાગણી અને પ્રજા સમર્પણભાવની પ્રસંશા કરી અભાર વ્યક્ત કર્યો
આણંદના સેતુ ટ્રસ્ટ દ્વારા સામાજિક ક્ષેત્રે અને દિવ્યાંગજનો માટે કરવામાં આવતી કામગીરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધાવી અને સંસ્થાના ફાઉન્ડર સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલને સીએમ કાર્યાલયે નિમંત્રણ પાઠવી બોલાવ્યા હતા.આ મુલાકાત દરમ્યાન તેઓએ સુધાબેનને અભિનંદન પાઠવી વધુ સારું કામ કરવા પ્રોત્સાહિત કર્યા અને જ્યાં રાજ્ય સરકારની મદદની જરૂર જણાય ત્યારે સંપર્ક કરવા જણાવ્યું હતું. આ મુલાકાતનો વિડીયો મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસારિત પણ કરાયો છે. આ બાબતને લઇ રાજ્યના દિવ્યાંગજનો ઉપરાંત ચરોતરવાસીઓમાં ગૌરવ અને હર્ષની લાગણી પ્રસરી રહી છે. આ તબક્કે પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની દિવ્યાંગજનો માટેની ભાવનાત્મક લાગણી અને પ્રજા સમર્પણભાવની પ્રસંશા કરી અભાર વ્યક્ત કર્યો હતો.
દિવ્યાંગજનોની સંભાળ રાખવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીની સદભાવવૃતિનો સુખદ અનુભવ આણંદ સેતુ ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલને થયો છે. સેતુ ટ્રસ્ટ દ્વારા સુધાબેન પટેલની આગેવાનીમાં વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યું અને સુધાબેનને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે બોલાવી અભિનંદનપત્ર પાઠવી સમ્માનિત કર્યા હતા. સુધાબેન અને સેતુ ટ્રસ્ટના સભ્યો સાથેની મુલાકાતની આ પળો ની વિડીયો પોસ્ટ મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ https://twitter.com/Bhupendrapbjp ઉપર પણ મુકવામાં આવતા આ વિડીયોપોસ્ટ ચરોતર સહિત વિશ્વમાં પ્રસારિત થઈ છે.
મહત્વનું છે કે પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની સામાજિક સેવાકાર્યને બિરદાવતા મુકાયેલી પોસ્ટમાં મુખ્યમંત્રીએ નોધ્યું છે કે દિવ્યાંગજનોની સંભાળ રાખવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં સુધાબેન અને તેમના ટ્રસ્ટ દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી છે. સુધાબેનની આગેવાનીમાં સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ કેમ્પનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય ખૂબ સરાહનીય છે. આ સેવાકાર્ય સાથે જોડાયેલ સૌને અભિનંદન. આપનું કાર્ય સમાજમાં અન્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
રાજ્યના પ્રત્યેક પ્રજાજનોને પણ મુખ્યમંત્રીમાં આત્મીયજનનો અનુભવ થઈ રહ્યો છે : પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ
મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલ વિડીયો પોસ્ટ અને તેઓ સાથે કરેલ મુલાકાત બાબતે સુધાબેન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતાના સરળ મૃદુ સ્વભાવ થકી પ્રજા સાથે સંવાદિતા સાધી લ્યે છે અને મક્કમ વહીવટી નિર્ણયો થકી પ્રજા ઉપયોગી કાર્યોને આકાર આપી રહ્યા છે. તેઓની પ્રજાભિમુખ અને સંવેદનાસભર વહીવટી કાર્યરીતિને પરિણામે ગુજરાતનો પ્રજાજન અને વિશ્વમાં વસતા ગુજરાતીજનો ગૌરવની લાગણી અનુભવે છે. અમોને આ મુલાકાત દરમિયાન તેઓના મૃદુ અને સરળ વ્યક્તિત્વ, માયાળુ સ્વભાવ અને સાદગીભર્યા વ્યવહારનો પરિચય થયો હતો. આજ સરળતાને કારણે રાજ્યના પ્રત્યેક પ્રજાજનોને પણ મુખ્યમંત્રીમાં આત્મીયજનનો અનુભવ થઈ રહ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગત માસે વિદ્યાનગરમાં સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ ટ્રેનીગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શેહેરના શૈક્ષણિક અને સમાજિક આગેવાનો તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક ની હાજરીમાં તેની પુર્ણાહુતી કરી સર્ટીફીકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની તેમજ અન્ય સેવાપ્રવુતિઓની માહિતી સમાચાર માધ્યમો દ્વારા મુખ્યમંત્રી સુધી પહોચી હતી. જે બાબતેની નોંધ લઈ તેઓએ અમોને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત આપી હતી અને અભિનંદન પત્ર આપી સમ્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેઓએ સેતુ ટ્રસ્ટની કામગીરી અને પ્રવુતિઓ વિશે જાણકારી મેળવી હતી. દિવ્યાંગજનોની સમસ્યા અને તેના ઉકેલ માટે ચર્ચા કરી હતી, અને દિવ્યાંગજનો માટે જરૂરી તમામ સહાય અને મદદ કરવા તૈયારી જણાવી હતી.
જીલ્લાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા અને એશિયાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ સુધાબેન પટેલનો ટુંક પરિચય
અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગજનોમાં બુદ્ધિ, શક્તિ, સાહસ અને સામર્થ્ય વિકસે તે માટે સતત કાર્યરત એવા પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ એટલે પડકાર ને પડકારનાર મહિલા છે. સુધાબેન નો જન્મ 8 મે 1973 ના રોજ આણંદ જીલ્લાના ચાંગા ગામે થયો હતો. તેઓએ એમ,એ.બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને યોગ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓએ શૈક્ષણિક,સામાજિક,વ્યાપારિક ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ તેથી પણ આગળ 1995 થી 2002 દરમ્યાન આણંદ જીલ્લાના ચાંગા ગામના સરપંચના સાત વર્ષના શાસન દરમ્યાન અવિશ્વસનીય રાજકીય દ્રઢતા અને સુઝબુઝ સાથે ગૌરવપૂર્ણ વહીવટ કર્યો છે જે આજે પણ સીમાચિન્હ રૂપ બની રહ્યો છે. હાલ આણંદના વિદ્યાનગરથી કાર્યરત સેતુ ટ્રસ્ટ, પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની આગેવાનીમાં દિવ્યાંગ અને અનાથ અને સિંગલ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓના અભ્યાસ, રોજગારી, સહિતના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાનગર ખાતે સેતુ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તેઓ યોગવિદ્યા,સ્કાય રાયડીંગ, ફૂટબોલ, ચેસ અને કેરમ, ક્રિકેટ જેવી રમત-ગમતની પ્રવૃતિઓમાં દિવ્યાંગ વિધાર્થીઓ અને સામાન્ય યુવક-યુવતીઓને પ્રોત્સાહિત, માર્ગદર્શન અને મદદ કરે છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન.પર્યાવરણ સુરક્ષા, મહિલા જાગૃતિ, પ્રાકૃતિક ખેતી સહિતના વિષય અને ક્ષેત્રોમાં જનસામાન્યને મદદરૂપ થઈ રહ્યા છે.વળી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ આણંદ જીલ્લાના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા છે. એશિયાના પ્રથમ સૌથી નાની વયના પ્રજ્ઞાચક્ષુ સરપંચનો રેકોર્ડ પણ તેમના નામે છે. આ ઉપરાંત તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહિત 11 જેટલા નામાંકિત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.