આ પ્રજ્ઞાચક્ષુ મહિલા સરપંચને સલામ, કર્યા વિકાસના અનેક કાર્યો અને મેળવ્યા 11 એવોર્ડ્સ
ચાંગા ગામના સુધાબહેન પટેલ એક પ્રજ્ઞાચક્ષુ છે, તેઓ આકરી મહેનત અને સખત સંઘર્ષ કરીને ચાંગા ગામના સરપંચનું પદ પ્રાપ્ત કર્યું છે. આ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ અનેક સેવાના અને વિકાસના કાર્યો કર્યા છે, તેણીને 11 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Vishwa Modasiya, Anand: ભારતમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં હવે આગળ વધી રહી છે અને પુરુષોને પણ ટક્કર આપી રહી છે. ઉચ્ચ અભ્યાસ, આકરી મહેનત અને કઈંક કરવાની પ્રબળ ઇચ્છાને કારણે સ્ત્રીઓએ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા છે અને સમાજમાં પણ નામના પ્રાપ્ત કરી છે. તાજેતરમાં આણંદના સુધાબેન પટેલ ચાંગા ગામના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સંરપચ બન્યા હતા અને સશક્ત મહિલાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઘણી મહેનત અને આકરા સંઘર્ષ બાદ સુધાબેને આ પદ પ્રાપ્ત કર્યું છે. તેમની જીવન કહાણી ખૂબ જ પ્રેરણાદાયી છે.
આણંદના સુધાબહેનનો જન્મ 8 મે 1973ના રોજ આણંદ જીલ્લાના ચાંગા ગામે થયો હતો. જન્મ સમયે તેમના પિતાજીને ગામના લોકોએ જણાવ્યું હતું કે, અંધ બાળકી સમય જતાં બોજ બની જશે, આથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. જો કે, તેમના પિતાએ લોકોની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. તેમના પિતાને વિશ્વાસ હતો કે, તેમની દીકરી આગળ જઈને તેમનું નામ રોશન કરશે. સુધાબેનના પિતાએ હંમેશા સુધાબેનને આગળ વધવાની પ્રેરણા આપી છે.
સુધાબહેન અને તેમની બહેને પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની પ્રજ્ઞાચક્ષુઓ માટેની સ્પેશિયલ શાળામાં લીધું હતું, જ્યાં તેમનામાં રહેલી લીડરશીપ ક્વોલીટીને જાણીને સ્પેશિયલ શાળાના શિક્ષકોએ તેમને એ પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું.
સુધાબહેને આણંદમાંથી આગળનું ભણતર પૂર્ણ કરવાનું વિચાર્યું હતું, તેમને કોલેજમાં એડમીશન મેળવવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેણીએ એડમિશન મેળવીને બીએડમાં પ્રથમ નંબર મેળવીને લોકોની બોલતી બંધ કરી દીધી હતી. સુધાબહેન સરદાર પટેલ યુનિવર્સીટીમાં ભણનાર પ્રથમ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની બન્યા હતા. તેણીએ બીએડ આણંદ આર્ટસ કોલેજ અને MA સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી પૂર્ણ કર્યું હતું.
સુધાબહેનમાં પહેલાંથી જ લીડરશીપના ગુણો હતા. ભણતર પૂર્ણ કર્યા બાદ તેઓને સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો વિચાર આવ્યો હતો. સરપંચની ચૂંટણીમાં 33 ટકા મહિલાઓને અનામત આપવામાં આવે છે, આથી તેમણે સરપંચ માટે ફોર્મ ભર્યું હતું. જેમાં લોકોના અનેક વિરોધ બાદ પણ તેણી સરપંચ તરીકે ચુંટાયા હતા.જો કે, તેમની નિર્ણયશક્તિની પરીક્ષા સરપંચ બન્યા બાદ તરત જ થઈ ગઈ હતી. જેમાં તેણીએ ગામમાં ફાટી નીકળેલી કોમી લડાઈને પોલીસની મદદ લઈને શાંત કરાવી હતી. ભરવાડો પાસેથી જમીન અંગેનો કોર્ટ કેસમાં જીતીને ત્યાં યુનિવર્સીટીનો પાયો નાંખ્યો હતો.
સુધાબેને આણંદ અંધજન મંડળ અને સેતુ ટ્રસ્ટનો પાયો પણ નાખ્યો હતો. સેતુ ટ્રસ્ટ દિવ્યાંગ,અનાથ અને સિંગલ પેરેન્ટ્સના બાળકોના અભ્યાસ, રોજગારી, સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે. સેતુ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ યોગવિદ્યા, સ્કાય રાયડીંગ, ફૂટબોલ, ચેસ અને કેરમ, ક્રિકેટ જેવી રમત-ગમતની પ્રવૃતિઓમાં દિવ્યાંગ વિધાર્થીઓ અને સામાન્ય યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, બ્લડ ડોનેશન, પર્યાવરણ સુરક્ષા, મહિલા જાગૃતિ, પ્રાકૃતિક ખેતી સહિતના વિષય અને ક્ષેત્રોમાં જનસામાન્યને મદદરૂપ થઈ રહ્યા છે. સુધાબહેનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહિત 11 જેટલા નામાંકિત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
તાજેતરમાં સેતુ ટ્રસ્ટ દ્વારા સુધાબેન પટેલની આગેવાનીમાં વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યું હતું. સુધાબેનને ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા અને અભિનંદનપત્ર પાઠવી સમ્માનિત કરવામાં આવ્યા હતા.