આણંદ સેતુ ટ્રસ્ટના દિવ્યાંગ કલાવૃંદના પ્રજ્ઞાચક્ષુ ગાયક પીન્કેશ ચૌધરીની અદભૂત ગાયકી પંથકમાં લોકપ્રિય થઇ રહી છે
સંતવાણી, ભજન તેમજ ગરબા ગાયકીમાં ભાષા,સ્વર,તાલ અને રાગમાં અદ્ભુત સમન્વય ધરાવે છે પ્રજ્ઞાચક્ષુ ગાયક પીન્કેશ ચૌધરી
પ્રજ્ઞાચક્ષુ ગાયક પીન્કેશ ચૌધરીનો આકાશી આલિંગનની અનુભૂતિ કરાવતો અદ્ભુત અવાજ સમગ્ર પંથકને ઘેલું કરી રહ્યો છે
આણંદના વિદ્યાનગર સ્થિત સેતુ ટ્રસ્ટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી પિન્કેશ ચૌધરી તેની સંગીત સાધના અને અદ્ભુત ગાયકીને લઇ પંથકમાં લોકપ્રિય થઇ રહ્યો છે.સાહિત્ય,દુહા,છંદ,ભજનો,ગરબા અને લોકગીતોની લોકલુભાવન રમઝટ બોલાવતો પ્રજ્ઞાચક્ષુ પીન્કેશ ચૌધરી સરદાર પટેલ યુનીવર્સીટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે.રોજ રાત્રે સેતુ ટ્રસ્ટના પ્રાંગણમાં પીન્કેશને ભજન ગવડાવવા અનેક પ્રશંસકો અને પરિચિતો આવી રહ્યા છે.સેતુ ટ્રસ્ટ દ્વારા પણ હવે ભજન મંડળની એક આખી ટીમ તૈયાર કરવામાં આવી છે.જેમાં પીન્કેશ ની જેમ અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે.જેથી પીન્કેશને પણ સમાન કૌશલ્ય ધરાવતા અન્ય મિત્રોનો સાથ મળી રહેતા હવે તે ખુબ જ ખીલ્યો છે.હાલ આણંદ અને તેની આસપાસના ગામોમાં સેતુ ટ્રસ્ટ ના આ દિવ્યાંગ ભજન મંડળને નિમંત્રણોની કતાર લાગી રહી છે.જીવનની કડવાશને હળવાશથી સમજી અને જીવનની ગંભીર મર્યાદાઓનો સ્વીકાર કરી સાધનાના માર્ગે અવરોધો પાર કરી લોકપ્રિયતાના પરમ સમીપે પહોચવા મથતો પ્રજ્ઞાચક્ષુ ગાયક પીન્કેશ ચૌધરી સમાન્ય તેમજ દિવ્યાંગજનો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
શારીરિક ખોળ ખાંપણ સાથે જન્મેલ વ્યક્તિ પોતાને દિન-હીન ન સમજે અને પરિવાર પણ તેને બોજ ન સમજી પ્રેમ અને પ્રોત્સાહન આપે તો આવી વ્યક્તિ જીવનમાં નોધપાત્ર સફળતા મેળવે તે નક્કી જ છે.મૂળ સુરતના માંડવી તાલુકાના વદેશિયા ગામે રહેતા ખેતમજૂર પરિવારમાં દિવ્યાંગ પુત્રના જન્મ સાથે પરીવારમાં નિરાશા અને ચિંતાની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી.પરંતુ પરમાત્મા ઉપર અતુટ ભરોષો રાખતા ગરીબ માતા-પિતાએ કુદરતનો આદેશ માથે ચઢાવ્યો અને લેશમાત્ર લાચારી માથે ચઢવા દીધી નહોતી.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ પુત્રની આંખ બની માતા-પિતાએ તેના લાલન પાલનમાં કોઈ જ બાંધ છોડ કરી નહિ અને એક સામાન્ય તંદુરસ્ત દીકરાને ઉછેરે તે જ રીતે તેઓએ કોઈ પણ ઓછપ કે હતાશા વિના ખુબ જ ઉમળકાભેર પ્રજ્ઞાચક્ષુ પુત્ર પીન્કેશનો ઉછેર કર્યો.તેને તમામ પ્રકારે પ્રોત્સાહિત કરી જીવનના નિશ્ચિત લક્ષ્ય સિદ્ધિ માટે તૈયાર કર્યો.
પીન્કેશ પોતાના કૌશલ્ય અને સબળ મનોબળ થકી પોતાની જીવન ઉર્જાને નિત નવી દિશા આપી રહ્યો છે
આ અંગે સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આંખોના અંધકારને મ્હાત આપી દીવ્ય જ્યોતીની આરાધના કરતા પ્રજ્ઞાચક્ષુ પીન્કેશ ચૌધરી પોતાના કૌશલ્ય અને સબળ મનોબળ થકી પોતાની જીવન ઉર્જાને નિત નવી દિશા આપી રહ્યો છે.જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પીન્કેશે પોતાના હાલ સુધીના વિદ્યાર્થી જીવન સફરમાં કે દૈનિક જીવનમાં ક્યારેય કોઈ જ લઘુતા સ્વીકારી નથી.માંડવીના વદેશીયામાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ પીન્કેશ ચૌધરી એ માતાપિતા અને ગ્રામજનોના પ્રોત્સાહન, માર્ગદર્શન અને સાથ સહકારથી ગામની જ પ્રાથમિક શાળામાં 1થી 8નો અભ્યાસ કર્યો, ત્યારબાદ આણંદ અંધ અપંગજન વિકાસ મંડળ, મોગરી ગામમાં માધ્યમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ આણંદ એન.એસ.પટેલ કોલેજમાં બેચલર ઓફ આર્ટસની ડીગ્રી હાંસલ કરી. હાલમાં તે સેતુ ટ્રસ્ટ નાના બજાર વલ્લભ વિદ્યાનગરની હોસ્ટેલમાં રહી સરદાર પટેલ યુનીવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ સશિયોલોજીમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યો છે.આ ઉપરાંત જન્મજાત સંગીત પ્રત્યેના લગાવને લઈ તે પાર્ટ ટાઈમ આર.એમ.દેસાઈ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજમાં પણ ત્રણ વર્ષના કોર્ષ મા સંગીતનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે.હાલ તે સંગીત કોલેજના બીજાવર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.આમ પ્રજ્ઞાચક્ષુ પિન્કેશ સશિયોલોજીમાં એમ.એ અને સંગીતમાં વિશારદની ડીગ્રી મેળવી જનસામાન્ય માટે પણ પ્રેરક વ્યક્તિત્વ બની રહ્યો છે.
સેતુ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ યુવાનોને સંગીતમાં નિપુણ કરી પગભર કરવાનો નિર્ણય કર્યો
આ અંગે સેતુ ટ્રસ્ટના ખજાનચી ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે પીન્કેશની ગાયકી અદભુત છે અને અહી રહેતા અન્ય દિવ્યાંગ વિધાર્થીઓ પણ સારું ઢોલક,તબલા,ઓર્ગન,હાર્મોનિયમ, અને અન્ય સંગીત વાદ્ય વગાડી જાણે છે.જેથી અમોએ ટ્રસ્ટ મંડળ દ્વારા આધુનિક સંગીત વાદ્ય વસાવી આ યુવાનોને સંગીતમાં નિપુણ કરી પગભર કરવાનો નિર્ણય કર્યો છે. પીન્કેશ ચૌધરીની ગાયકીએ તેના સાંભળનારાઓમાં ઘેલું લગાડયુ છે.હાલ ટ્રસ્ટ ઓફિસે રોજ નવા ગામોમાંથી ભજન માટે નિમંત્રણ મળી રહ્યા છે.સંગીત ના કાર્યક્રમો થકી થતી આવક વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગમા લેવામાં આવે છે.પીન્કેશ તો સંગીતનો અભ્યાસ કરી રહ્યો જ છે પણ તેની સાથે ટીમના ના અન્ય દિવ્યાંગ યુવાનોને સંગીતની તાલીમ સેતુ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રજ્ઞાચક્ષુ રાધાબેન પટેલ દ્વારા નિશુલ્ક આપવામાં આવે છે.
પીન્કેશનું બુદ્ધિ કૌશલ્ય,નમ્રતા અને અભ્યાસ પ્રત્યેની સમર્પિતતાને તેના પ્રાધ્યાપકો પણ વખાણી રહ્યા છે
આ અંગે સેતુ ટ્રસ્ટના ફાઉન્ડર જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલે જણાવ્યું હતું કે પીન્કેશ ચૌધરી ખુબ જ પરોપકારીવૃતિ ધરાવતો વિદ્યાર્થી છે.હાલ તે સંગીત કોલેજના બીજા વર્ષમાં હાર્મોનિયમ અને વોકલનો અભ્યાસ કરી રહ્યો છે.તેના ગ્રામજનો પાસેથી અમે જાણ્યું હતું કે તે વેકેશનમાં ઘરે જાય ત્યારે માંડવીની અંધજન શાળાના વિદ્યાર્થીઓને સંગીત જ્ઞાન આપવામાં તત્પર રહે છે. દિવ્યાંગજન અન્યની હરોળમાં કયારેય પંગુતા કે લઘુતા ના અનુભવે તે રીતે તે તમામ દિવ્યાંગ વ્યક્તિ અને વિદ્યાર્થી તેમજ યુવાનોને તે પ્રોત્સાહિત કરતો રહે છે. તેનું બુદ્ધિ કૌશલ્ય,નમ્રતા અને અભ્યાસ પ્રત્યેની સમર્પિતતાને તેના પ્રાધ્યાપકો પણ વખાણી રહ્યા છે. તેની સંતવાણી અને ભજન ગાયકી આણંદ પંથકની જનતામાં ખુબ જ લોકપ્રિય અને સ્વીકૃત થઇ રહી છે તે અમારા સેતુ ટ્રસ્ટ અને પીન્કેશના પરીવારજનો માટે ગૌરવની વાત છે.